આજરોજ સવારે 6 કલાકે ગુજરાત રાજ્ય માર્ગ અને પરિવહન નિગમની નવી નક્કોર બસમાં (સલામત સવારી,એસ.ટી.અમારી!!) શૈક્ષણિક પ્રવાસની શરૂઆત થઇ.સનવાવથી ઉપડીને 9:15 આસપાસ ભગવાન નીલકંઠવર્ણીની પદરજ પામેલું પ્રસાદીમય લોએજ ધામ આવ્યું.
દર્શન-પ્રદર્શન પછી સહુ 10 વાગે કૉસ્ટલ હાઇવેના ક્લાઇમેટને એન્જૉય કરતાં કરતાં માધવપુર તરફ રવાના થયા.
સુહાના સફર ઔર યે મૌસમ હસીઁ!! દરિયાના મોજાઓ જાણે અમારી મોજની સાક્ષી પુરી રહ્યા હતા.ત્યાં મહાપ્રભુજીની બેઠકના પણ દર્શન કર્યા.
હવે સહુનો જઠરાગ્નિ ધીમેધીમે પ્રદિપ્ત થઇ રહ્યો હતો.અગાઉથી નક્કી કરેલી વ્યવસ્થા મુજબ વનરાજભાઇની હૉટલ દેવંગીમાં સહુએ બપોરનું ભોજન લીધું.
બપોરના ભોજન બાદ અમારી સવારી સરરરર... ઉપડી પોરબંદર તરફ. પોરબંદરમાં સહુ પ્રથમ પ્લેનેટૉરિયમ - તારા મંદિરની મુલાકાત લીધી.
ત્યારબાદ તેની બિલકુલ સામે જ આવેલ ભારત મંદિરની મુલાકાત લીધી.
પોરબંદર અનેક રીતે અદ્ભુત છે.અહીં સ્વામી વિવેકાનંદ જેવી વિશ્વવંદ્ય વિભૂતિ સંચરી છે તો પૂ.ભાઇશ્રી રમેશભાઇ ઓઝા સંચાલિત સાંદિપની વિદ્યાલય ૠષિ સંસ્કૃતિની ઝાંખી કરાવતું અડીખમ ઊભું છે.અમે આ વિદ્યાલયના પરિસરમાં આવેલ હરિમંદિરની મુલાકાત લીધી.
ત્યારબાદ કૃષ્ણસખા સુદામાજીના સ્મૃતિભવન તરફ આગળ વધ્યા.આ પ્રવાસમાં ધો.8ના 31 વિદ્યાર્થીઓ પણ જોડાયેલા છે.સહુએ મનોમન ગુજરાતી પાઠ્યપુસ્તકના 16મા કાવ્ય "સુદામો દિઠો.." યાદ કર્યું.તો કોઇએ વળી 2018ના વાર્ષિક ઉત્સવમાં રજૂ થયેલ મૈત્રી ગીત "અરે,દ્વારપાલો"ને યાદ કર્યું.સુદામા મંદિરના પરિસરમાં આવેલી ભૂલભૂલૈયા બાળકોને એક નવીન પ્રવૃતતા અર્પી ગઇ.
પોરબંદરમાં અનેક જોવાલાયક સ્થાનો છે.પણ,કદાચ એ પૈકી એકપણ ન હોત તોયે પોરબંદર હંમેશ માટે વિશ્વના માનચિત્ર પર અંકિત રહી શકત વિશ્વને અહિંસાના માર્ગ પર લઇ જનાર મહાત્મા ગાંધીજીના જન્મસ્થાન કીર્તિમંદિર માટે! ભાવપૂર્વક અમે આ સ્થળ તેમજ કસ્તુરબાના ઘરની મુલાકાત લીધી.
બસ હવે આંખો ઘેરાય એ પહેલાં વાળુ પતાવવું છે અને દ્વારિકાપુરીમાં આંબા ભગતની વાડી પર ઉતારે પહોંચી એઇને... ટેશથી લંબાવવું છે!
"ઉપરવાળી બેન્ક બેઠી છે આપણી માલંમાલ,
આજનું ખાણું આજ આપે 'ને કાલની વાતો કાલ" એ કવિ મકરંદની પંક્તિઓ સાથે શુભરાત્રિ.










