શાળાની પ્રવૃતિઓ

1.વિદ્યાર્થી બચત બેંક

        બાળકોમાં નાની વયથી જ બચતનો ગુણ વિક્સે તેમજ તેઓ બેંકની કામગીરીની પ્રાયોગિક સમજ મેળવે તે હેતુથી શાળામાં સને 2005 થી વિદ્યાર્થી બચત બેંક ચલાવવામાં આવે છે. દર મહિનાના કોઇ એક શનિવારે બેંક ખુલે છે. જેમાં બાળકો તેમની બચતની રકમની લેવડ દેવડ કરે છે.  આ પ્રવૃતિથી શાળમાં શૈક્ષણિક પ્રવાસના આયોજનમાં ખુબ સરળતા રહે છે. વ્યસનમુક્તિ માટે પણ આ પ્રવૃતિ ઉપકારક પુરવાર થયેલ છે.

2.રામહાટ
          બાળકોમાં પ્રામાણિકતા મૂલ્યોનો સહજ વિકસ થાય તે હેતુથી શાળામાં રામ - હાટ ચલાવવામાં આવે છે. બાળકો પોતાની જરૂરીયાતની ચીજવસ્તુઓ  જેવી કે પેન્સિલ, રબ્બર, સંચો, કંપાસબોક્ષ કે નાસ્તો જાતે જ જરૂરી રકમ ત્યાં રાખેલ ગલ્લામાં નાંખીને ખરીદે છે.

 
3.ખોયા પાયા વિભાગ

          બાળકોમાં પ્રામાણિકતાના મુલ્યોનો વિકાસ કરનારી આ પ્રવૃતિ છે. શાળામાંથી કે કોઇ અન્ય જગ્યાએથી જડેલી વસ્તુનો માલિક ન મળેતો તેને ખોયા - પાયા વિભાગમાં રાખવામાં  આવે છે. કોઇની વસ્તુ ખોવાઇ હોય તો તે જાતે આ વિભાગમાં તપાસ કરીને જો ત્યાં હોય તો તે પરત મેળવી શકે છે. આ રીતે ઘડિયાળ , ઝાંઝર જેવી કિંમતી વસ્તુઓ પરત મળેલ છે જે ઉદાહરણરૂપ બાબત છે.

4.મીના કોર્નર

          દરેક વર્ગખંડની બહાર એક અરીસો, દાંતિયો તથા આરોગ્યવિષયક ચીજવસ્તુઓ જેવી કે નેઇલ કટર , સાબુ, ટૂથ પાઉડર , તેલ વગેરે રાખવામાં આવે છે. બાળકો હેલ્થ મોનિટર અથવા વર્ગશિક્ષકના માર્ગદર્શન અનુસાર તેનો ઉપયોગ કરે છે.

5.અક્ષયપાત્ર અને જળપાત્ર

          આસપાસના પર્યાવરણમાં રહેલાં અબોલ પક્ષીઓ પ્રત્યે કરૂણાનો ભાવ બાળકોમાં કેળવાય એ વિશ્વ શાંતિની પ્રાથમિક શરત છે. બાળકો પોતાની અનુકૂળતા અનુસાર ઘરેથી બાજરો,ઘઉં જેવી ચણ લઇને આવે છે. જે અક્ષયપાત્રમાં એકઠી કરાય છે. શાળા પરિસરમાં આવેલ ચબૂતરા પર આ પાત્રમાંથી નિયમિત રીતે ચણ નાંખવામાં આવે છે. ચબૂતરા પર પક્ષીઓને પાણી પાવા માટે જળપાત્રો મૂકવામાં આવે છે.  

6.શાળા પંચાયત
 
                                                                                સમગ્ર શાળાનુંસંચાલન બાળકો વડે રચાયેલ શાળા  પંચાયત દ્વારા કરવામાં  આવે છે. દર વર્ષે શાળા પંચાયતની વિધિવત ચૂંટ્ણી યોજવામાં આવે છે. જેમાં બાળકો જ મતદાન અધિકારી , મતદાર અને ઉમેદવાર હોય છે. દરેક ઉમેદવારના નિશાન સાથેના મતપત્રો હોય છે. પરિણામમાં કોઇની પણ હાર જીત થતી નથી.. જે ઉમેદવારને સૌથી વધુ મત મળે તેને પ્રમુખ ત્યારબાદ ક્રમશ: ઉપ પ્રમુખ,મંત્રી, સહમંત્રી વગેરે હોદાઓ વહેંચવામાં આવે છે. ચૂંટણી  બાદ બધાં જ સાથે મળીને શાળાના વિકાસ માટે પ્રયત્નશીલ બને છે.
  
7.ભાષા કૉર્નર

          ગુજરાતી, હિન્દી તથા સંસ્કૃત વિષયને લગતું સાહિત્ય મુક્વામાં આવે છે. રિશેષ દરમ્યાન બાળકો જૂદાં  જુદાં કોશોનો ઉપયોગ કરે છે. વ્યાકરણની માહીતી પ્રાપ્ત કરે છે. શબ્દભંડોળ વધે તેવી પ્રવૃતિ પણ કરાવવામાં આવે છે.

8.ગણિત-વિજ્ઞાન કોર્નર
 
          ગણિત તથા વિજ્ઞાન  વિષયને લગતું સાહિત્ય મુક્વામાં આવે છે. વિજ્ઞાનક્ષેત્રે થયેલી શોધોની માહીતી તથા ગણિત ગમ્મતના કોયડાઓ મુકવામાં આવે છે. જીવનમાં ગણિત અને વિજ્ઞાનની શી ઉપયોગીતા છે તે વાત ને સમજાવતા વિવિધ મુદાઓ  પીરસવામાં આવે છે.
 
9.સામાજિક વિજ્ઞાન કોર્નર

          ઐતિહાસિક, સામાજિક તથા ભૌગૌલિક માહિતી મૂકવામાં આવે છે. દુનિયામાં બનતી વિવિધ ખગોળિય ઘટ્નાઓની માહિતી આપવામાં આવે છે
 
10.ઈકો ક્લબ

              શાળામાં ઇકો ક્લબ દ્વારા વૃક્ષારોપણ, ઔષધબાગ, કમ્પોસ્ટ ખાતર, કિચન ગાર્ડ્ન,ઇકો ક્લબ કેન્ટિન, આરોગ્યવર્ધક તોરણો, દંતક્રાંતિ અભિયાન , ઘરગથ્થુ ઉપચારો,ગ્રામ સફાઇ, પક્ષી ઘર  વગેરે પ્રવૃત્તિ કરવામાં આવે છે
 
11.ગણિત - વિજ્ઞાન મંડળ

Learning Enhancement Programme અન્વયે શાળામાં ગણિત વિજ્ઞાન મંડળની સ્થાપના કરવામાં આવી છે. મંડળ દ્વારાવિજ્ઞાન દિનની ઉજવણી , ચમત્કારથી ચેતો તથા ગ્રાહક જાગૃતિ અંગેના કાર્યક્ર્મો યોજવામાં આવે છે. શાળાના ધોરણ 3 થી 8 ના તમામ બાળકોને શાળામાં જ 3D ફિલ્મ બતાવવાનું આયોજન આ મંડળ દ્વારા કરવામાં આવેલ છે  જે નોંધનીય છે.  

12.આઇ.ટી. પાર્ક
 
        શાળાની કમ્પ્યૂટર લેબમાં ફાળવેલા સમય અનુસાર બાળકો કમ્પ્યૂટર શીખે છે.કમ્પ્યૂટર શિખ્યા બાદ કોઇ બાબત ભુલાઇ ગઇ હોય તો તેનું પુનરાવર્તન આ.ટી. પાર્કમાં કરાવવામાં આવે છે. રિશેષના સમયમાં બાળકો    પોતાને મૂંઝ્વતા  પ્રશ્નો પૂછી તેનું કમ્પ્યૂટર નિદર્શન દ્વારા સમાધાન મેળવે છે.
 
13.અક્ષયદ્રવ્ય પ્રોજેક્ટ

          આ એક વિશિષ્ટ પ્રવૃત્તિ છે. જેમાં શાળા સંકુલમાં આવેલ મા સરસ્વતીની મુર્તિ આગળ એક ડબ્બો રાખવામાં આવ્યો છે. જેમાં શાળા પરિવારના શિક્ષકમિત્રો સ્વેચ્છાએ અમુક રકમ નાંખે છે. આ રકમનો ઉપયોગ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓની શૈક્ષણિક સુવિધા માટે ખર્ચવામાં આવે છે.

 
14.શિક્ષકોનો ગણવેશ

             બાળકોને નિયમિત રીતે ગણવેશ પહેરવાની પ્રેરણા મળી રહે તે હેતુથી શાળા પરિવારના શિક્ષક ભાઇ બહેનો દ્વારા તદન સ્વૈચ્છિક ધોરણે જ ગણવેશ પહેરવાનું નક્કી કરવામાં આવ્યું છે.બાળકો પોતાના શિક્ષકોને ગણવેશમાં આવતાં જોઇ પોતે પણ એમ કરવા પ્રેરાય છે.
 
15.હાજરી-ગેરહાજરી- જન્મદિવસ- આજનું ગુલાબનું કાર્ડ
 
હાજરી કાર્ડ : જે બાળકની સમગ્ર વર્ષ દરમિયાન 80% કે તેથી વધુ હાજરી હોય તેને હાજરીકાર્ડ આપીને પ્રોત્સાહીત કરવામાં આવે છે.
 
ગેરહાજરી કાર્ડ‌:-  જો કોઇ બાળક પાંચ દિવસ કે તેથી વધુ સમય સુધી ગેરહાજર રહે તો તેના વાલીને ગેરહાજરીકાર્ડ મોકલવામાં આવે  છે.જેમાં તેમને પોતાના બાળકને નિયમિત શાળાએ મોકલવા માટે આગ્રહ્ભરી વિનંતી કરવામાં આવે છે.
 
જન્મદિવસ કાર્ડ : ‌ બાળકના જન્મદિવસે તેને શાળા  પરિવાર તરફથી શુભેચ્છા કાર્ડ આપવામાં આવે છે. ગ્રામીણ વાતાવરણમાં સામાન્યત: જન્મદિવસ ઉજવવાની પ્રથા હોતી નથી ત્યારે આ રીતે કાર્ડ આપવાથી બાળકને તે ખૂબ ગમતી બાબત બની રહે છે. જેનો જન્મદિવસ હોય તે બાળકનું પ્રાર્થના કાર્યક્રમમાં શુભેચ્છા અર્પણ કરી સન્માન કરવામાં આવે છે.
 
આજનું ગુલાબ : શાળામાં નિયમિત અને શિસ્તબધ્ધ રીતે વર્તનાર તેમજ સ્વચ્છ અને સુઘડ રીતે તૈયાર થઇને આવનાર બાળકો પૈકી શ્રેષ્ઠ દેખાવ કરનાર એક ભાઇ અને એક બહેનને આજનાં ગુલાબના એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે. તેમને સન્માનપત્ર તથા વિશિષ્ટ બેઇઝ આપી પ્રોત્સાહીત કરવામાં આવે છે.   
 
16.પ્રશ્નપેટી અને માહિતી સેવા કેન્દ્ર
 
 
            બાળકો પોતાના મનમાં ઉદભવતા પ્રશ્નોનું સમાધાન મેળવી શકે તે હેતુથી આ બે પ્રવૃત્તિઓની યોજના કરવામાં આવી છે. પ્રશ્નપેટી દ્વારા બાળક પોતાની શૈક્ષણિક સમસ્યાઓનું જ્યારે માહિતી સેવા કેન્દ્ર દ્વારા પોતાને મૂંઝ્વતી અન્ય સમસ્યાઓનો ઉકેલ મેળવી શકે છે.

 
17. પ્રાથમિક સારવાર પેટી

         રમત ગમત દરમ્યાન બાળકને કોઇ સામાન્ય ઇજાઓ થઇ હોય ત્યારે બાળકને પ્રાથમિક ઇલાજ આપવામાં આવે છે. ચાલુ તાસ દરમ્યાન પણ બાળકને કોઇ સામાન્ય તકલીફ થઈ હોય ત્યારે પ્રાથમિક સારવાર પેટીમાંથી જરૂરી દવાઓ આપવામાં આવે છે.